Khergam (Vav) : ખેરગામ તાલુકાના વાવ પ્રાથમિક શાળા અને રાઘવા ફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.

 Khergam (Vav) : ખેરગામ તાલુકાના વાવ પ્રાથમિક શાળા અને રાઘવા ફળિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો.


તારીખ 26-06-2 024નાં દિને નવસારી જિલ્લાના વાવ પ્રાથમિક શાળા ખાતે વાવ અને રાઘવા ફળિયા પ્રાથમિક શાળાનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ચીખલીના નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં બાલવાટિકાનાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ અવસરે પ્રવેશ મેળવનાર બાળકોના ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવતાં નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ માટે મુખ્ય મંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ સક્રિય છે. શાળામાં પ્રવેશ પામનારા બાળકોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે સરકાર અથાક પ્રયત્નો કરી રહી છે, જેના ભાગરૂપે દર વર્ષે શાળાની શરૂઆતમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. બાળકો નિયમિત શાળાએ આવે સારું ભણીને આગળ વધે અને શાળા ગામનું નામ રોશન કરે તેવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી. શાળાઓમાં વાલીઓની હાજરી જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. અહીંનો ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય છે અને ખાનગી શાળામાં અભ્યાસ કરતા ત્રણ બાળકો આ શાળામાં અભ્યાસ માટે આવ્યા છે, જે ખૂબ જ આનંદની વાત છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. 

આ અવસરે વાવ ગામના સરપંચશ્રી બિન્નીબેન તરફથી બાલવાટિકા તેમજ ધોરણ-૧માં પ્રવેશ મેળવનારા બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાઘવા ફળિયાનાં આચાર્યશ્રી કિરણભાઈ પટેલે કર્યું હતું.

કાર્યક્રમ બાદ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું તેમજ વાલીઓ તેમજ એસ.એમ.સી. સભ્યો સાથે બેઠક યોજાઇ હતી. 

આ અવસરે બી.આર.સી. જીગરભાઇ પટેલ, વાવ સ્કૂલના આચાર્યા મીનેશબેન પટેલ, શિક્ષકો આશાબેન  પટેલ, જયશ્રીબેન પઢિયાર, નિમેષભાઈ પટેલ, મનીષભાઈ પટેલ, રાઘવા ફળિયા સ્કુલના આચાર્યા  કિરણભાઈ પટેલ તેમજ શિક્ષિકા મીનાક્ષીબેન પટેલ, સ્પેશીયલ એજ્યુકેટર (વિકલાંગ)  રીટાબેન પટેલ, ગામના સરપંચશ્રી બિન્નીબેન, ડેપ્યુટી સરપંચશ્રી નિલેશભાઈ ગામના વયોવૃદ્ધ આગેવાન મણીલાલ પટેલ, શાળાના શિક્ષકો, વાલીઓ, એસ.એમ.સી. સભ્યો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. 





Post a Comment

Previous Post Next Post