સાફલ્ય ગાથા : ધો. ૧૦ ભણેલી ધરમપુરની આદિવાસી મહિલાએ દૂધના બિઝનેસથી આર્થિક પ્રગતિ સાધી
આગામી તા. ૯ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ લઈ આર્થિક પ્રગતિના દ્વાર ખોલનારા આદિવાસી બાંધવોની સંઘર્ષથી સફળતા સુધીની અલગ અલગ પ્રેરણાદાયી કહાની વલસાડ જિલ્લા માહિતી કચેરી દ્વારા સતત તા. ૯ ઓગસ્ટ સુધી પ્રસારિત કરવામાં આવશે. જેના પ્રથમ ભાગમાં આજે ધરમપુરની આદિવાસી યુવતીએ દુધાળા પશુ આદિમ જૂથ યોજનાનો લાભ લઈ કેવી રીતે આર્થિક ઉન્ન્તિ સાધી પોતે આત્મનિર્ભર બની તેની કહાની જાણીશુ.
સાફલ્ય ગાથા
મંથન ફિલ્મથી પ્રેરાઈને અનેક મહિલાઓએ દૂધના વ્યવસાયમાં ઝંપલાવ્યું, ધો. ૧૦ ભણેલી ધરમપુરની આદિવાસી મહિલાએ દૂધના બિઝનેસથી આર્થિક પ્રગતિ સાધી
રાજ્ય સરકારની દુધાળા પશુ આદિમ જૂથ યોજના હેઠળ રૂ. ૬૭,૫૦૦ની સહાય મળતા ગાય ખરીદી શરૂ કર્યો પુરૂષાર્થ
મહિને રૂ. ૧૫ હજારથી ૧૬ હજાર સુધીની આવક મેળવી કિંજલ ડગળાએ એક્ટિવા મોપેડ પણ પોતાના પૈસે ખરીદી
યોજનાનો લાભ થકી પ્રગતિના દ્વાર ખૂલતા પશુપાલક મહિલાએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો
આલેખનઃ જિજ્ઞેશ સોલંકી
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૦૪ ઓગસ્ટ
‘‘મેરો ગામ કાઠા પારે, જહાં દૂધ કી નદીયાં બાહે, જહાં કોયલ ટહુકો ગાયે, મ્હારે ઘર અંગના ન ભૂલો ના...’’ વર્ષ ૧૯૭૬માં રિલિઝ થયેલી મંથન ફિલ્મનું આ ગીત આજે પણ એટલુ જ લોકપ્રિય છે.મહિલાઓને લક્ષ્યમાં લઈને શ્વેત ક્રાંતિ પર બનાવેલી આ ફિલ્મ આજે પણ અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. વલસાડ જિલ્લાની આદિવાસી સમાજની મહિલાઓ પણ દૂધ ઉત્પાદન દ્વારા આર્થિક રીતે પગભર બની રહી છે. જે માટે રાજ્ય સરકાર પણ ભરપૂર પ્રયાસો કરી રહી છે. સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ લઈ ધરમપુર તાલુકાના મરઘમાળ ગામની આદિવાસી મહિલાએ પોતાની પ્રગતિ તો સાધી જ છે સાથે ગામની મહિલાઓ દ્વારા દૂધ ઉત્પાદક સહકારી મંડળી પણ ચલાવવામાં આવી રહી છે. જે મહિલાઓ માટે સંકટ સમયની સાંકળ બની છે. વલસાડ જિલ્લાના મોટા ભાગના ગામોમાં મહિલાઓએ દૂધના બિઝનેસમાં ખરા અર્થમાં શ્વેત ક્રાંતિ કરી છે.
આદિવાસી મહિલાઓ ઘર આંગણે પશુ પાલન અને દૂધના વ્યવસાય સાથે જોડાઈને આર્થિક રીતે સક્ષમ બની રહી છે ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મરઘમાળ ગામની ધો. ૧૦ સુધી ભણેલી ગૃહિણી કિંજલબેન રિતેશભાઈ ડગળાના મનમાં વિચાર આવ્યો કે, હું પણ ઘર સંભાળીને સાથે ઘર આંગણે જ બે પૈસા કમાઈ પરિવારને મદદરૂપ કેમ ન થઈ શકુ? આ વિચાર તેમણે ગામમાં મહિલાઓ સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી હિનાબેન પટેલને જણાવ્યો હતો. જેથી હિનાબેને તેમને દુધાળા પશુ આદિમ જૂથ યોજના વિશે માહિતી આપી હતી. આ યોજનાનો લાભ લેવા માટે કિંજલબેને ડેરીમાં જ પોતાનો રાશન કાર્ડ અને આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા. પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા તેમની અરજી મંજૂર થતા રૂ. ૬૭,૫૦૦ સીધા તેમના બેંક ખાતામાં જમા થઈ ગયા હતા. જેમાંથી તેઓ માંડવખડક ગામમાં પશુ પાલકને ત્યાંથી દુધાળી હોસ્ટીન ગાય રૂ. ૫૩૦૦૦માં ખરીદી લાવ્યા હતા. આ યોજના હેઠળ બાકી વધેલા રૂ. ૧૭,૫૦૦ માંથી ગાયને લાવવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને પશુ આહારનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ઘર આંગણે ગાય આવતા જ કિંજલબેન છેલ્લા બે મહિનાથી સવાર સાંજ બંને ટાઈમ મળી કુલ ૧૨ થી ૧૩ લીટર દૂધ ગામમાં જ મહિલા સંચાલિત ડેરીમાં ભરીને મહિને રૂ. ૧૫ હજારથી રૂ. ૧૬ હજારની કમાણી કરી રહી છે. ડેરીમાંથી એક લીટર દૂધના રૂ. ૩૯ તેમને ચૂકવવામાં આવે છે.
દૂધના વ્યવસાય દ્વારા પોતાની આર્થિક ઉન્નતિ અંગે કિંજલબેન જણાવે છે કે, ઘરે ગાય લાવવાથી ઘરમાં આવક શરૂ થઈ હતી. ગામની ડેરીમાં દૂધ ભરવા આવવા જવા માટે મુશ્કેલી પડતી હતી જેથી દૂધની આવકમાંથી બચત કરીને ઈએમઆઈ પર એક્ટિવા ખરીદી છે. હવે તેના પર દૂધ ભરવા જવુ સરળ બન્યુ છે. સાથે જ ગાય માટે આહાર કે ચારો લાવવા માટે પણ મને એક્ટિવા મોપેડ ઉપયોગી બની રહી છે. દૂધની આવકમાંથી એક્ટિવા ખરીદી હોવાની હું ખુશી અનુભવુ છું. સરકારની આ યોજનાના લાભ થકી મારા અને મારા પરિવારના જીવન ધોરણમાં પણ આર્થિક બદલાવ આવ્યો છે, જે બદલ હું ગુજરાત સરકારનો આભાર માનુ છું.
બોક્ષ મેટર
દૂધ ઉત્પાદનના વ્યવસાય થકી મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર
ધરમપુરના મરઘમાળ ગામમાં મહિલા સંચાલિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી હિનાબેન પટેલે જણાવ્યુ કે, મંડળીમાં ગામની ૫૬ મહિલાઓ સભાસદ છે. જેમના દ્વારા સવાર અને સાંજ મળી બંને સમય કુલ ૭૦૦ લીટર દૂધ ડેરીમાં ભરવામાં આવે છે. દૂધ ઉત્પાદનના વ્યવસાય દ્વારા ગામની મહિલાઓ આર્થિક રીતે સશક્ત અને સ્વાવલંબી બની આત્મનિર્ભર થઈ રહી છે સાથે લોકોને રોજગારી પણ પુરી પાડી રહી છે. જે તમામ મહિલાઓ માટે ગર્વની વાત છે. આકસ્મિક સંજોગોમાં ગાય બિમાર પડે કે અન્ય કોઈ ખર્ચ આવીને ઉભો રહે તે માટે તમામ મહિલાઓ પોતાની આવકના પાંચ ટકા મંડળીમાં બચત કરે છે. કોઈ મહિલા પશુપાલકને નાણાંની જરૂર પડે તો મંડળીની કમિટીની બહેનો સર્વાનુમતે નક્કી કરી જે તે મહિલા સભ્યને લોન આપી મદદરૂપ થાય છે.